અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.